Friday, February 28, 2014

મુખ ની દુર્ગંધ

મુખ ની દુર્ગંધ નાં મુખ્ય કારણૉ અને તેના ઉપચાર
આપણે જાણીએ છીએ કે 'મુખમાંથી દુર્ગંધ આવવી' એ એક એવી વિકૃતિ છે કે, જેનું વ્યક્તિને સ્વયં જ્ઞાન નથી હોતું, પરંતુ તેની પાસે બેસનાર અથવા તેની સાથે વાતચીત કરનાર વ્યક્તિને તેની અનુભૂતિ તરત જ થઈ જાય છે. મુખ દુર્ગંધથી પીડાતી વ્યક્તિ સાથે વાતચીત કરતી બીજી કોઈ પણ વ્યક્તિને અત્યંત ખરાબ અનુભવ થાય છે. પતિ-પત્નીમાં પણ આ વિકૃતથી જો કોઈ પણ એક પીડિત હોય તો નિશ્ચિતરૂપે તેમની વચ્ચેના પ્રેમમાં ઊણપ આવે છે.

કારણો :

મુખમાંથી દુર્ગંધ આવવાનાં ઘણાં કારણો હોય છે. સૌથી મહત્ત્વનું કારણ છે, અસ્વચ્છતા. મુખની અસ્વચ્છતાના કારણે મુખમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન થાય છે જે મુખ દુર્ગંધનું કારણ બને છે. દાંત ઉપર જામેલો મેલ, દાંતની કુદરતી ચમકને નુકસાન પહોંચાડવાની સાથે પેઢા, મસૂડાને પણ કમજોર બનાવે છે અને આ કમજોર પેઢા જીવાણુઓનું ઘર બને છે. ભોજન કર્યા પછી મુખને બરાબર સ્વચ્છ ન કરવાથી આહારના સૂક્ષ્મ કણો તેમાં ભરાઈ રહે છે અને તેના સડવાથી પણ દુર્ગંધ ઉત્પન્ન થાય છે. આ સિવાય કબજિયાત, પાચનતંત્રની ગરબડ, રક્તની દુષ્ટિ, મુખ, ગળા અને નાકના રોગો વગેરેના કારણે પણ આ વિકૃતિ ઉત્પન્ન થઈ શકે છે.

ઉપચાર :

* મુખ અને શ્વાસમાં દુર્ગંધ આવી રહી છે એવું જણાય ત્યારે સૌ પ્રથમ તેની પાછળનાં મૂળ કારણને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૂળ કારણને શોધીને તેને દૂર કરવાથી મુખ દુર્ગંધ સરળતાથી દૂર થઈ શકે છે. જો કારણ ન મળતું હોય તો યથાશક્ય મુખ, દાંત, જીભ, અન્નમાર્ગને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.

* મુખને સ્વચ્છ રાખવા માટે સવારે ઊઠયા બાદ સ્વચ્છ પાણીથી વારંવાર મુખ સાફ કરવું જોઈએ. દાંતોને દૃઢ રાખવા માટે પાણીમાં સિંધાલૂણ મેળવીને કોગળા કરવા જોઈએ. જો દાંત ઉપર મેલ જામી ગયો હોય તો તેને દૂર કરવા માટે સ્વચ્છ પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી તેનાથી મુખશુદ્ધિ કરવી જોઈએ. લીંબુની ખટાશથી દાંત પરનો મેલ સરળતાથી દૂર થઈ જાય છે.

* જો દાંત કમજોર હોય અને હલતા હોય તો સરસવના તેલમાં થોડું નમક મેળવીને આ દ્રવને થોડો સમય મુખમાં ભરી રાખી, કાઢી નાખવું. આ રીતે દરરોજ કરવાથી દાંતોના અનેક પ્રકારના રોગોમાં લાભ થાય છે. દાંત ચમકદાર બને છે તથા મુખની દુર્ગંધ ઓછી થાય છે. આ રીતે મુખને સ્વચ્છ કર્યા પછી દાતણ, દંતમંજન વગેરેથી મુખને સાફ કરવું જોઈએ.

* જો મુખ દુર્ગંધનું મુખ્ય કારણ આંતરડાં કે પેટની ગરબડ હોય તો હંમેશાં સાદો, સરળ અને સંતુલિત આહાર લેવો. કબજિયાત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થોડા થોડા સમયે હળવો રેચ-જુલાબ લઈ પેટ સાફ રાખવું.

* મુખ દુર્ગંધની અધિકતા હોય તો અજમો અને નાગર મોથનું સરખા ભાગે બનાવેલું અડધી ચમચી ચૂર્ણ રોજ સવારે થોડા દિવસ લેવું.

* શાહ જીરું આશરે પાંચ ગ્રામ જેટલું થોડા દિવસ નિયમિત લેવાથી પણ મુખ દુર્ગંધનો નાશ થાય છે.

* જેઠી મધ અથવા નાની એલચી અથવા લવિંગ ચાવતા રહેવાથી મુખની દુર્ગંધ દૂર થાય.

* એક ચમચી જેટલી હળદર નવશેકા પાણીમાં મેળવીને તેનાથી મુખશુદ્ધિ કરવાથી દાંતોમાં સડો અને જીવાણુઓના કારણે ઉત્પન્ન થતી દુર્ગંધનો નાશ થાય છે.

અહીં આપવામાં આવેલા આ સરળ ઉપચારો નિયમિત કરવાથી મુખ દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે. જો કોઈ પણ કારણથી મુખ દુર્ગંધ દૂર ન થતી હોય તો નિષ્ણાતની સલાહ લેવી.

Recent Posts